ખંજવાળ
ખંજવાળ
હાથમાં આવે તો પૈસા લાવે
બરડે આવે તો હાથમાં ના આવે,
કોઈને ચોડવાની હોય તો ખાસ આવે
કોઈને બગલમાં કોઈને અગલમાં આવે,
મીઠી બઉ પણ ખંજવાડો તો ઉઝરડા આવે
જે ખંજવાળે એ પરમ સુખ પામે,
સમજાય નહીં તો માથામાં આવે
સમજાય એને દાઢી એ આવે,
ઉનાળામાં ખાસ આવે
ક્યારેક પેન તો ક્યારેક કાંસકો કામમાં આવે,
બુઠ્ઠા નખે ખંજવાળવાની મજા ના આવે,
એ આવે એ કોઈ ને ના ગમે,
પણ ખંજવાળીને પછી બઉ મજા આવે,
દાદરની પણ આવે કુવેચની પણ આવે
કોઈ ને ધૂળની આવે કોઈને ફૂલની આવે,
કોઈને ખાલી ખાલી આવે
કોઈને અડાઈઓ ભરાઈને આવે,
બધાને આવે ગમે ત્યારે આવે
ના ગમે ત્યારે ય આવે,
ક્યારેક મલમ તો ક્યારેક પાઉડર કામમાં આવે
ક્યારેક વળી ગોળી પણ લેવડાવે
ક્યારેક ધણી ને આવે ક્યારેક બૈરી ને આવે
ક્યારેક છુટ્ટા હાથની આવે...
કોઈ આંખોમાં હોય તોય આવે
આંખો આવે તોય આવે,
એનું નક્કી નહીં એને આવવું હોય ત્યારે આવે
કોઈ ને પૈસાની આવે..કોઈ ને સત્તાની આવે
કોઈને ખુરસી મળે તો આવે
કોઈને બેસવા ના મળે તો આવે,
કોઈને બેઠા બેઠા નવરાશમાં આવે
કોઈને કામ કર્યા કરવાની આવે
કોઈ ના બોલે તો આવે
કોઈને બોલી કાઢવાની આવે,
કોઈ ને કશું ના હોય એની આવે
કોઈ ને બધું હોય પાસે એની આવે
ભલાનેય આવે બુરા ને ય આવે
ભલભલા ને ય આવે,
કવિને ય આવે કવિતાને ય આવે
ક્યારેક વાંચનાર ને ય આવે....
આવવા દો ત્યારે ને ખંજવાળો.
