સમયની રેતીનું રણ
સમયની રેતીનું રણ
જન્મોથી ટૂટી ટૂટીને કણસતો કણ કણ થયો,
ને એમ કરીને હું આ સમયની રેતીનું રણ થયો.
પાણીના પછડાટથી જ ટૂટી ટૂટીને કણ થયો,
ને પછી કણ કણ શુકામ તરસનું કારણ થયો.
વગર અગ્નિએ તપ્યો એવો કે ન પૂછો વાતને,
થવું તું તો જીવંતને કોણ જાણે કેમ જડ થયો.
ને પરાકાષ્ઠા તરસની પ્યાસી જ રહી જયારે,
ભલભલાને ભૂલમાં નાખે એવું મૃગજળ થયો.
સન્નાટાને ચિરતી ચીસ પવનની સાંભળે કોણ ?
તો રવની નિરવતાનું અદ્રશ્ય આવરણ થયો.
કંઈ જન્મથી ભટકન આ રૂહની "પરમ" પાછળ,
બોધ એક જ પળનો "પાગલ"પનનું કારણ થયો.