હજુ તો રાત બાકી છે
હજુ તો રાત બાકી છે
1 min
14.7K
જરા આવી જજે સાજન, હજુ તો રાત બાકી છે,
સુણાવા પ્રેમની સરગમ, હજુ તો રાત બાકી છે.
કે તારા આવવાથી આજ મ્હેકે છે સદન મારું,
અમૂલો આંગણે અવસર હજુ તો રાત બાકી છે.
કિનારો કેમ તેં કીધો, ગમ્યો નઈ સાથ શું મારો?
શરૂ થઈ છે સફર જાનમ, હજુ તો રાત બાકી છે.
મિલનની રીત જાણે છે છતાં થાએ અજાણ્યો કાં?
જવા નઈ દઉં તને હમદમ હજુ તો રાત બાકી છે.
હજારો ઝંખના સેવ્યે મળ્યો છે આ પ્રણય તારો,
નિશાને સૂર્યનાં સગપણ હજુ તો રાત બાકી છે.
તું જાણે છો મહાસાગર, ને હું રણનું ઝરણ કોઈ,
તરસ માપે હવે 'શબનમ', હજુ તો રાત બાકી છે.