મા ગોદડી સીવે છે
મા ગોદડી સીવે છે


મા ગોદડી સીવતી જાય છે...
ડાબા હાથને ઊંચો કરી, આંખ ઝીણી કરીને,
ધ્રૂજતા હાથે ને ઝાંખી આંખે,
માંડ કરીને દોરો પરોવતી જાય છે...
મા ગોદડી સીવતી જાય છે...
કપડાંના ડૂંચા છે નાના-મોટા ને કોક સાવ લીરા,
બધાય ને સીધા કરી એકસરખાં પાથરતી જાય છે,
તેની ઉપર મુલાયમ, સુંવાળું કાપડ મૂકી,
એક હાથે થી વાળતા જઈ ને બીજા હાથે થી ખેંચી ને પકડી રાખી,
ઝીણા બખિયા ભરતી જાય છે...
ટાંકાથી ટાંકાનું અંતર મેળવે છે અંદાજથી,
ને તો ય એકસરખાં ટાંકાની ભાત ઉપસતી જાય છે....
રંગબેરંગી દોરા ની મેળવણી કરતી જાય છે,
ને ફૂલગુલાબી સ્મિત ભરતી જાય છે...
મા ગોદડી સીવતી જાય છે...
વધતા વસ્તાર સાથ વધતાં ચાલ્યા માના સાડલામાં ટાંકા ને ટેભા,
ને એમ ને એમ જીવતરના છેડા ભેગાં કરતી ચાલી...
પોતરાના વહેવાર, ભાણીનું મામેરું, દીકરીનું આણું ને વહુની છાબ
ભરતા ભરતા ભરતાં, તૂટ્તાં ગયાં રહ્યાં-સહ્યા જરીનાં તાર...
મા હાંફતી હાંફતી ય દોડતી જાય છે.
આખર તપ ફળ્યું માનું, ને સુખી-સંપન્ન સહુ સંતાન,
બેટા-બેટી ને કામ છે હજાર, ત્યાં મા આ શું કરે બકવાસ?
( એનાં કાનને લાગ્યા જાણે તોતિંગ તાળાં)
પંખી ઊડી ગયાં સહુ-સહુ નાં માળે, અનંત આભ એનાં ઊઘડયા,
‘હા ....ઉકલો’ કરી ઘડીક ફરકી ય જાય, ને માનાં મંદિર છે સૂના-સૂના...
મા બોલું બોલું થતાં હોઠ સીવતી જાય છે...
મા ને ક્યાં છે હવે કઈ કામ? ચારે પહોર આરામ..
ફર્ક ક્યાં હવે દિવસ કે રાત, હવે તો માત્ર હરિ-નામ.
ઘસાતે ઘસાતે ઝળતું જીરણ ,કાયા નું જૂનું પોત,
અવસ્થા થી લીરેલીરા જીવતર, હૈયા ને તો ય હામ,
મા ગોદડી સીવતી જાય છે...
ને કેમ ન સીવે?
દીકરીની દીકરીને આવ્યો છે દીકરો,
વ્હાલું વિશેષ, આ તો વ્યાજનું યે વ્યાજ...
નકામા ડૂચા ને લીરામાંથી હુંફનો સ્પર્શ સર્જતી જાય છે...
આજે મા રેશમી ગોદડી સીવતી જાય છે...
નાની ને પરનાની, પૌત્ર ને પ્રપોત્ર,
આ શબ્દોને રહેવા દેજો ભાષાની ચોપડીમાં,
એ તો છે દીકરીની મા, ને દીકરીની દીકરીની ય મા,
અને હવે દીકરીની દીકરીના દીકરાની મા...
અને એટલે જ ....
મા ગોદડી સીવતી જાય છે...
ધ્રૂજતા હાથે ને ઝાંખી આંખે,
મા ગોદડી સીવતી જાય છે...