બાનું શ્રાદ્ધ
બાનું શ્રાદ્ધ


ઘરનાં બધાં ભેગાં થયાં બાને કરે છે યાદ સૌ,
ખાધી બધાંએ ખીરને બાનું કરે છે શ્રાદ્ધ સૌ.
નાનો કહે, "પપ્પા તમારી આંખથી પાણી વહે, "
એ સાંભળી પપ્પા કહે, "બાના હૃદયનો ભાગ સૌ.
આગળ કહું, "કંકાશ બાને ના કદીએ પાલવે,
તેથી જ તો બાને કહે છે ગામ આખુ શાંત સૌ."
મમ્મી કહે, "બાને ભજનને પદ બધાં હૈયે હતાં,
ત્યાંથી જ તો પામી જુઓ સંસારનો આ તાગ સૌ.
કરવા મદદ તૈયાર હોતાં હો સ્વજન કે પારકું,
એથી જ છે પામ્યાં અહીં મોભો અને આ માન સૌ."
પૌત્રી કહે, "બા તે કહેલી વારતાઓ સાંભળી,
તારા થકી શીખી જગતને જાણવાના પાઠ સૌ."
આંસુ ભરી આંખે કહ્યું, "બા કામ તારાં યાદ છે,
એથી કહું છું બા તને આજે કરે છે વ્હાલ સૌ."
વાતો બધાની સાંભળી બાપા હવે બોલ્યા જુઓ,
"શાને કરો છો યાદ ને શાના જપો છો જાપ સૌ ?
સંસારનો છે આ નિયમ રટજો સદા એ પ્રેમથી,
ગાતા અહીં ગુણગાન જો સ્વજન ગુમાવ્યા બાદ સૌ.
એની હયાતીમાં કદી સામે હસીને જોયું 'તું ?,
મૃત્યુ પછી આ શ્રાદ્ધનું શાને કરો છો પાપ સૌ."
તસવીરમાંથી બા કહે, "વઢશો તમે ના કોઈને,
જેવાં હતાં એવાં હતાં મારાં બધાં છે બાળ સૌ.
સંતાન સમજી માફ કરવું આપણી છે એ ફરજ,
એથી જગતનું તીર્થ મોટું માનજો મા- બાપ સૌ."