નાવ હાલકડોલક
નાવ હાલકડોલક


તું સાંભળજે મારો પોકાર હરિ મારી નાવ હાલક ડોલક,
હવે મારે તારો એક આધાર હરિ મારી નાવ હાલક ડોલક.
મધદરિયે મોજાં સતાવે જોર પવનનું દીસે છે પારાવાર,
ઘનરાત ભયપ્રદને સૂનકાર હરિ મારી નાવ હાલક ડોલક.
પાણી ભરાતું મુજ નૌકામાંહી વજન વધતું હો વારંવાર,
દેખાય મને ડૂબવાના આસાર હરિ મારી નાવ હાલક ડોલક.
એક ભરોસો મારે તારો હરિવર જે કદી ન હો તોડનાર,
બની સુકાનીને કરજે ઉદ્ધાર હરિ મારી નાવ હાલક ડોલક.
ચક્રવાત આવે છાશવારે જે મારી નૈયાને હો ડૂબાડનાર,
આવો અંતરયામી ગરુડસવાર હરિ મારી નાવ હાલક ડોલક.