આસન માટેના આત્મમંથનની કવિતા
આસન માટેના આત્મમંથનની કવિતા


સ્નેહી પરમારની કવિતા- શીતળ જળમાં ભળેલી મીસરી ઠંડક સાથે ગળચટ્ટો અનુભવ કરાવે એવી સરળતાથી વહે છે અને સાથે અનુભવભાથું પણ પીરસતી જાય છે. સ્નેહી એક શેરમાં કહે છે :
કાયમ થાતું સાવ નકામા ખાલે વળગ્યાં ખોલાં છે,
ઠેસું વાગી તો સમજાયું નખ તો બહુ અણમોલાં છે.
આવી જાતઅનુભવની શીખ જ વ્યક્તિને સ્વ સાથે ગુફ્તગુ કરવા પ્રેરતી હશે.
સભામાં માનભેર કોણ બેસી શકે? ઊંચા આસન પર બેસવા માટે માણસે કેવી લાયકાત કેળવવી પડે? એ વાત અહીં કવિ પોતાના નિજી અંદાજમાં કહે છે. કવિ તો ઋષિ છે... એ પોતાના આસન પર સ્થિત છે. આંગળી ચીંધવાનું આ કર્મ મને તો છેક વેદ - ઉપનિષદ - મહાભારત સુધી ખેંચી જાય છે.
કોઈનું પણ આંસુ લૂછયું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુખ્યું હોય, તે બેસે અહીં.
કવિતા અંતે તો જીવનમૂલ્યોને જીવતાં જ શીખવે છે.
મત્લામાં કવિ કહે છે કોઈના દુઃખમાં ભાગ પડાવ્યો હોય, આંસુ લૂછયું હોય તે અહીં બેસે..
પણ માત્ર આંસુ લૂછવાથી અહીં બેસવાની લાયકાત મળે? કવિ આગળ કહે છે દુઃખમાં ભાગ પડાવ્યાં પછી જેને છાતીમાં દુખે, કરુણાથી હૃદય છલકાઈ જાય એ બેસવા માટે લાયક છે.
આ કોઈ સામાન્ય સભા નથી. એમાં તો બધું જ આવે નીતિ,સદાચાર એનું અધિકારી થવા માટે સાવ સામાન્ય બનવું યોગ્ય નથી. પરદુઃખભંજક (વીર વિક્રમ) બનવું પડે.
અથર્વવેદના ઋષિ કહે છે -
यांश्च पश्यामि यांश्वन ।
तेषुमा सुमतिं कृधि ।। (१७.१.७)
અર્થાત - જેઓને હું જોઉં છું અને જેઓને નહિ એ સૌ પ્રત્યે મારામાં સુબુદ્ધિ નિર્માણ કર.
એટલે જ સ્નેહી કહે છે;
પારકી પીડાને પોતીકી ગણી બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી રહેનાર જ એ આસનનો અધિકારી બની શકે.
સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈના ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.
સફળ થવું એ અલગ વાત છે પણ અહમનો કેફ ન ચડવા દેનાર ઋજુતા સાથે જે વ્યક્તિ સફળતાને પચાવી જાણે છે, નતમસ્તક રહી આદરભાવનું સન્માન કરે છે એવા કોઈ વીરલાને કવિ નિશ્ચિતપણ બેસવાનું કહે છે.
नारुन्तुद: स्यादार्तोsपि न परद्रोहकर्मधी:
ययाsस्योद्विजते वाचा नालोक्यां तामुदीरयेत ।
&nbs
p; (વિદુરનીતિ)
ત્રીજો શેર જુઓ;
હાથ પોતાનો ય બીજો જાણવા પામે નહીં,
કિડિયારું એમ પૂર્યું હોય, તે બેસે અહીં.
તૈતરીયોપનિષદમાં ઋષિએ દાનનો મહિમા ગાતાં કહ્યું છે;
ये के च अस्माकं श्रेयांसो ब्राह्मणा:
तेषां त्वया आसनेन प्रश्वसितव्यम् ।
श्रद्धया देयम्, अश्रध्ध्या अदेयम्, श्रिया देयम्,
ह्रीया देयम्, भिया देयम्, संविदा देयम् ।।
(तैतरीयोपनीषद - १-११)
તો મહાભારતમાં પણ બધાં જ પ્રાણીઓ પ્રત્યે અનુકંપા, મન, વચન અને કર્મથી એમને મદદ કરવી, દાન કરવું એ જ સજ્જનતાનો ધર્મ છે એવું કહ્યું છે .
अद्रोह: सर्वभूतेषु कर्मणा मनसा गिरा ।
अनुग्रहश्व दानं च सत्ता धर्म: सनातन ।। (મહાભારત)
ગુપ્તદાન એટલે જમણા હાથે કરેલું દાન ડાબો હાથ પણ ન જાણે. મિત્રો ! કિડિયારું પૂરનાર ક્યાંય નામની તકતીને ટેકે નથી હોતો કે એને મહાદાની તરીકે પંકાવાની ખેવના પણ નથી હોતી. આવો કોઈ મહાદાની પુરુષ જ આ સભામાં બેસી શકે છે.
એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય, તે બેસે અહીં.
સત્યતા તો ત્યારે જ સાબિત થઈ શકે જ્યારે બન્ને વ્યક્તિઓ સત્યને વરેલાં હોય. મતલબ કે એક વ્યક્તિ સત્ય બોલનાર અને બીજો વ્યક્તિ એ સત્યને સાંભળનાર હોય.
વ્યક્તિમાં સાચી લાયકાત ક્યારે જન્મે? જ્યારે પોતાની જાત સાથે ગોઠડી કરી, જ્ઞાનને સત્યાસત્યની ચાળણીથી અલગ કરવાની ખેવના એ ધરાવતો થાય ત્યારે. પણ જ્યારે આ જ્ઞાન લાધે ત્યારે સમજાય કે "હું નથી." બસ આ હુંપદ લોપ પામે ત્યારે એ સભામાં બેસવાનો સાચો અધિકારી બને છે.
જે ક્ષણે પોતાને પુછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.
વાહ કવિ...ક્યા શેર હૈ ...
સ્વમૂલ્યાંકન પછીની ક્ષણે તરત જ ઊભો થઈ જનાર વ્યક્તિ મૂઢ ન હોય, કેમ કે એને ખબર છે હું બેસવા માટે લાયક નથી. આવા જ્ઞાન અને વિવેકને પોતાના આભૂષણ બનાવનાર વ્યક્તિને જ કવિ બેસવાનો ઈશારો કરે છે.
આમ સમગ્ર ગઝલમાં કવિ જીવાતા જીવનની સરળ ફિલસુફી સાથે
દુઃખમાં સહભાગી થનાર...
સફળ છતાં જે સંવેદનશીલ હોય...
દાનમહિમા સમજનાર...
આત્મમંથન કરી સત્યની નજીક રહેનાર...
અને બધી જ રીતે જ્ઞાની હોય
એવા વ્યક્તિને બેસવાનું ઈજન આપે છે.