પ્રેમરસાયણ મીઠડું...
પ્રેમરસાયણ મીઠડું...
વેધુ જાણે એની વાતમાં રે,
ઓલ્યાં છળિયેલ શું રે જાણે.
જે ઘટ લાગી, રહે તન ત્યાગી,
વાગી હે ભલકી વરામનૂ રે, તે એ દૃષ્ટિ જો રે આણે.
પ્રેમ પ્રીતિની રીત હે ન્યારી,
શારી લિયે એ તો ચિત્તને રે, શબદુ ને બાણે.
સહુ સાથે તોડી, જેણે હરિ સાથે જોડી,
છોડી હે લાજસંસારની રે, બીક કે'ની નજરે ના'ણે.
પ્રેમીને પુરુષોત્તમ પાસે,
ભોજલ સુહાગણ સુંદરી, તે મોહનજીને માણે.
=ભોજા ભગત =
વેધુ શબ્દ અર્થસભર છે. આ અખિલ બ્રહ્માંડમાં વ્યાપીરહેલ પરમતત્વનું રહસ્ય જાણવાની જેનામાં કુશળતા હોય છે તેને વેધુ કહેવામાં આવે છે. એ અતિ કાબેલ જાણભેદુ છે. એ પરમકૃપાળુ પરમેશ્વર, જે અકળ છે, એનું પગેરું આવા વેધુ જ શોધી શકે. પરંતુ સંસારમાં રહીને જ્ઞાનની વાતોના ગપાટાં મારતા, ઉપર ઉપરથી પંડિત અને અંદરથી મોહના મારથી ખંડિત 'છળિયલ', વાસનાની પથારીમાં પોઢનારા પણ રામનામની ચદરિયા ઓઢનારા, દંભી લોકો એના રહસ્યને પામી શકતાં નથી.
જેના ઘટઘટમાં રામનામની રટ લાગે છે, એ પછી પોતાના તનને તજે છે. એટલ
ે કે શરીર પ્રત્યેનો એનો લગાવ અને ભાવ ઘટે છે અને આત્મભાવ વધે છે. એને વૈરાગ્યની કટારી બરાબર મમૅસ્થાને વાગે છે. આવો ભક્ત સંસારની બાબતોમાં મરી જાય છે અને ઈશ્વરની બાબતમાં અમર બને છે.
પ્રભુપ્રેમની રીત ન્યારી છે. એમાંશબદુના બાણ એવા બરાબર વાગેછે કે ચિત્ત વીંધાઈ જાય છે. જ્યાં સુધી મન વીંધાતું નથી, નિયમન થતું નથી ત્યાં સુધી એ બહાર ભટક્યા કરે છે. એકાગ્રતા વિના સ્વસ્વરૂપનો સાક્ષાત્કાર થતો નથી.
જગતના પદાર્થોની માયા તૂટે તો હરિ સંગ લગની લાગે. આવા ભક્તની દશા મીરાં જેવી !
"લોકલાજ કુલ શૃંખલા તજી, મીરાં ગિરિધર ભજી"
જે કૃષ્ણપ્રેમના ઝાંઝર પહેરે એ મોહમાયાની ઝંઝીર તોડે છે.
પરમાત્મા પ્રેમને જ આધીન છે. પ્રેમી સ્વયં પરમાત્માસ્વરૂપ બની જાય છે. જે સુહાગણ છે, પ્રિયતમ મોહનના અલૌકિક સુખની મજા એ માણે છે. પ્રેમ બંનેને એકાકાર બનાવી દે છે. ચૂનો સફેદ છે, હળદર પીળી છે, પણ બંનેને ભેગા કરીએ તો હળદર એની પીળાશ અને ચૂનો એની સફેદી ત્યજી દઈ બંને લાલ રંગના બની જાય છે. પ્રેમના રસાયણની આ જ તો છે ખુબી.