માતૃભાષા ગુજરાતી
માતૃભાષા ગુજરાતી
મારી જીહ્વાના પ્રથમ ઉચ્ચારે વસતી માતૃભાષા ગુજરાતી.
આકૃતિ મન તણી રખેને એ કંડારતી માતૃભાષા ગુજરાતી.
સરળ, સુંદર, સહજ, સાનુકૂળ સર્વ ગુર્જરને જે સમજાતી,
સજીને અલંકાર વૈવિધ્યથી મલકાતી માતૃભાષા ગુજરાતી.
'મા' સમાન સ્થાન જેનું અદકેરું જનનીના શબ્દે એ શીખાતી,
હશે એ ઊંઘમાં પણ સ્હેજે બોલાતી માતૃભાષા ગુજરાતી.
કદી પ્રકાશતાં પુણ્ય ઇશદર્શનની મધુર મિલનવેળા આવતી,
હરિ તારા મુખે પણ તે સમે નીકળતી માતૃભાષા ગુજરાતી.
મારો સૂર, મારું ઉર, મારું સર્વસ્વ સદાકાળ જે લેખાતી,
અંત કાળે પરમેશ તારી સ્તુતિ થતી એ માતૃભાષા ગુજરાતી.