ભૂખ આ ભૂલકામાં
ભૂખ આ ભૂલકામાં


સોનેટ (મન્દાક્રાન્તા છંદમાં)
મૂકી શાને જગતજનની, ભૂખ આ ભૂલકામાં,
એવું મીઠું બચપણ વહે ભીખ જો માંગવામાં.
તારે શાની તૂટ અગર મૂકી દીધા હોત તે જો,
થાળીમાં ભોજન વિવિધ તેને બહુ ભાવતા હો.
ભક્તો આવી ચરણ કમલે પ્રેમથી મૂકતા જે,
એ ક્ષુધા શાંત જરૂર થતે, ભોગ મોંઘા થકી તે.
મોઘામૂલા નિજ શિશુપણાને રહ્યું હોત માણી,
ને કિલ્લોલી કરત નિજ હાસ્યની રોજ લ્હાણી.
બોલી માતા સજલ નયને, આપ્યું મે તે ન પામ્યુ,
કોઇ કુટિલ નિતિ કરી બેઠુ પચાવી જ ધાન્યું.
કોઠારો ભેગું થતું સઘળું ધાન્ય કે જે સડે છે,
શિશુને પેટ નિજ ભરવા અન્ન આ ક્યાં જડે છે.
સૂકાયું સ્નેહ ઝરણું સહુંમાંથી આ મૃત્યુંલોકે,
ત્યારે મારું હ્રદય દ્રવતુ બેસી જોઉ ઝરોખે.