હે કૃષ્ણ
હે કૃષ્ણ


હે કૃષ્ણ ફરીવાર આવી સંભાળી લે તું સુકાન,
મલિન રાજકારણ હટાવી બચાવી લે હિન્દુસ્તાન.
તુજ છે અમારા સૌનો પાલનહાર હે ભગવાન,
હૃદય ભાવથી પુલકિત થઈ અમે કરશું સન્માન.
અહીં ઘણા છે ક્ષુધાતુર તું આવી આપ અન્નદાન,
કોઈ છે તૃષાતુર તું આવી કરાવજે એને જળપાન.
કોઈ વળી છે અહીં વસ્ત્રહીન તું દેજે વસ્ત્રદાન,
કોઈ ખુલ્લા મેદાનમાં રહે રહેવા આપજે મકાન.
અશ્લીલ ગીતો બંધ કરાવી સંભળાવજે ગીતાજ્ઞાન,
રચાવજે પ્રભુ રાસ- લીલા હે દેવકીના સંતાન.
સાંભળીએ તારી બંસીના છત્રીસ સૂર કાન,
હટાવી દે લોકશાહીની તું નાની - મોટી દુકાન.
પધારો પ્રભુ રાજનીતિ લાવો તમે બનો મહેરબાન,
ધરી લે સુદર્શન ચક્ર તર્જની પર તું કર સંધાન.
વધ્યા અહીં શિશુપાલો તેને સંહાર તું ભગવાન,
અશોભનીય વર્તન એનું અશોભનીય જુબાન.
અહીં વાતોથી વિકાસ થયો થાક્યા છે કાન,
એકેવો વિકાસ થયો કહું પ્રભુ તને દેજે તું ધ્યાન.
દાની બનીને નેતાએ ઇજારદારને આપ્યા દાન,
રોડ, રેલ, વિદ્યુત, વળી દાનમાં દીધા છે વિમાન.
રાજકારણની રમત રમી ને બને છે એ મસ્તાન,
રાજનીતિનું જ્ઞાન નહીં તોય સંભાળે છે સુકાન.
ચૂંટણી સમયે સભા યોજી લોકોને આપે વરદાન,
જન ધન ખાતા ખોલાવી તમને બનાવશું ધનવાન.
દેશમાં ભૂખ, ભય, ભાવ વધ્યા ઘટાડજે ભગવાન,
શક્તિહીન હોવા છતાં પોતાને માને છે બળવાન.
ન, ચઢ્યા હોય કદી એ તારા મંદિરનાં સોપાન,
ચૂંટણી સમયે ભિક્ષુક બની એ તને કહે દયાવાન.
ઋણ માફ કરવાનું આવે ખેડૂતનું ન,આપે ધ્યાન,
જે સર્વના પેટ ભરવા માટે ઉગાડે છે એ ધાન.
કૌભાંડખોરો કૌભાંડ કરે ત્યાં નેતા બને નાદાન,
રૈયત તારી છેલ્લા શ્વાસે હે પ્રભુ કરજે પ્રસ્થાન.
તે યુગે યુગે અવતાર લેવાનું આપ્યું હતું એલાન,
શસ્ત્ર સરંજામ લઈ આવજો કરશું અમે સન્માન.
ભાલ પર રાજતિલક કરી તમને બનાવશું આગેવાન,
તું અમારો રાજા અમે તારી રૈયત તારું જ સંવિધાન.
બનાવી દે વિશ્વગુરુ ભારતને બનાવી દે હિન્દુસ્તાન,
માંગુ છું દેશ કાજે તમે સ્વીકારજો હે દયાવાન.
તારે બચાવવા કે નહીં તે તારા હાથે હે કૃપાનિધાન,
દયા આવે તો ગરુડે ચઢી આવજે તું ભગવાન.