અનંતની વાટ....
અનંતની વાટ....
હે માનવ પ્રેમાળ બની સૌને તું પ્રેમ આપતો રહેજે,
માનવ મહેરામણ તરવા જીવન નાવ હાંકતો રહેજે.
મારે તને કોઈ ઊંડા ઘાવ તો તું ઘાવ ખમતો રહેજે,
તારું દુઃખ છૂપાવી બીજાને આશ્વાસન આપતો રહેજે.
કોઈનું સુખ જોઈ અને જીવનભર બસ હસતો રહેજે,
આવે આડે પથ્થરો તો પણ તું પંથને કાપતો રહેજે.
શ્રવણ બની માબાપની સેવા સદાય કરતો રહેજે,
સૌ યાદ કરે તેવું વર્તન કરીને હૃદયમાં વસતો રહેજે.
માનવનું પાત્ર મળ્યું ઈશ્વરનો ઉપકાર માનતો રહેજે,
ખીલી ઉઠજે સોળ કળાએ રોશની આપતો રહેજે.
દેહ અને દોલતનું અભિમાન હંમેશા છોડતો રહેજે,
હોય કોઈને મનદુઃખ સમાધાનથી પાર પાડતો રહેજે.
પહેલો સગો પાડોશી સંબંધ સારા તું રાખતો રહેજે,
નિરાધાર, ગરીબનો બેલી બની હાથ ઝાલતો રહેજે.
વેરના બીજ રોપવા કરતા મિત્રતા બાંધતો રહેજે,
પરિવારને એક બનાવીને સમજદાર બનતો રહેજે.
મુખ હસતું રાખી સમાજમાં સદાય હસતો રહેજે,
કોઈ વેંત નમે તે ધ્યાનમાં રાખી હાથ નમતો રહેજે.
વૃક્ષ ફળ આપી ઝૂકે તેમ મદદ કરીને ઝૂક્તો રહેજે,
નામની તકતી દૂર કરી અને મંદિરો બાંધતો રહેજે.
માનવદેહ પૂર્ણ કરી તું નવી મંઝિલ શોધતો રહેજે,
"પ્રવિણ"અનંતની વાટ પકડી એકલો ચાલતો રહેજે.
રચનાકાર -: પ્રવિણ એમ. મહેતા
