નાયક....
નાયક....
માનવ બની કોઈ બળેલ જીવને બાળશોમાં,
દઈ ન શકો તો કાંઈ નહીં દેનારને રોકશોમાં.
આંબા બધે ઉછેરજો, બાવળ કદી વાવશોમાં,
પરાયું ધન પામીને જીવન કદીય જીવશોમાં.
દેવાલય, અન્નક્ષેત્રમાં નામની તકતી મારશોમાં,
કદીય ગરીબની બદદુઆ લઈ દુઃખી બનશોમાં.
ઘણા હશે કાન ફૂંકનારા કાચા કાન રાખશોમાં,
માબાપના ચરણ ત્યજી ઢોંગીને ચરણે લાગશોમાં.
અધર્મી માણસની સંગાથે કદીય તમે બેસશોમાં,
વ્યાપારી બનીને સંપ્રદાયના હાટડા ખોલશોમાં.
સાચા સત્યસનાતની બની સનાતનને છોડશોમાં,
અશોભનીય વેણ જિહ્વા પર લાવીને બોલશોમાં.
જુગારમાં લક્ષ્મીજીને મૂકીને દોષિત બનશોમાં,
વ્યાજથી રૂપિયા લઈ કર્જના કૂવામાં ડૂબશોમાં.
સાત સાડલા ભેગા કરી કોઈનું ઘર ભાંગશોમાં,
ઘરનું ભોજન ત્યાગી હોટેલમાં ફાસ્ટફૂડ જમશોમાં.
કોઈના ઉપકારનો બદલો અપકારથી આપશોમાં,
પાણી ગયા પછી પાછળથી પાળને બાંધશોમાં.
પતિવ્રતા નારી છોડી ગુણીકામાં મોહ પામશોમાં,
પરિવારને છોડી અને શત્રુઓમાં કદી ભળશોમાં.
ચૌદ બ્રહ્માંડના રચયિતા ઈશની પૂજા ભૂલશોમાં,
આવે જીવનમાં ઝંઝાવાત તોફાનોથી ડરશોમાં.
જિંદગીના આ રંગમંચ પર ખલનાયક બનશોમાં,
નાયક બની લોકોનાં દિલમાં વસવાનું ચૂકશોમાં.
જીવતા સુખ ન આપ્યા, મૃત્યુ પછી રડશોમાં,
શ્વાસોના સંબંધ પૂર્ણ થતાં " પ્રવિણને"રોકશોમાં.
રચનાકાર -: પ્રવિણ એમ. મહેતા
