અભિમાન શું?
અભિમાન શું?


આપ્યું તને ઈશ્વરે જો રૂપ એમાં વળી અભિમાન શું?
જોબન જવાનું છે ને નહી આવે ફરી અભિમાન શું?
ફીરોન કે રાવણ ઘડીની બાદશાહત એમની,
નાનો કે મોટો ધૂળમાં મળશે એક'દી અભિમાન શું?
દોલત હો કે એ શોહરત સાથી છે પળભરની અહીં,
કાંઈ કબરમાં સાથ તો આપે નહીં અભિમાન શું?
છોરાં તમારાં ડોકટરકે એન્જીનિયર બને,
એ એક દિન છોડી જવાનાં તો પછી અભિમાન શું?
કાળા મજાના કેશ લહેરાતા સુગંધીદાર છે,
એ કાલ ધોળા થઈ, જશે દર્પણ ડસી અભિમાન શું?
ભક્તિ કરે પંડિત અને મસ્જીદ જાયે મોલવી,
ખોટો નથી કોઈ ધર્મ ભજ અલ્લાહ હરી અભિમાન શું?
મશહૂર 'સપના'થઈ ગઈ છે આપની તો પ્રીતમાં,
સપનું હતું જે આંખનું ગયું છે ફળી અભિમાન શું?