પીગળે વરસાદમાં
પીગળે વરસાદમાં
અંધાર ઘૂંટ્યા ઓરડે શું પીગળે વરસાદમાં,
છાલક થઈને ભીંજવે છે હરપળે વરસાદમાં.
આ હાથમાં ફોરાં ઝીલું, ઊગી ગયું છે વૃક્ષ ત્યાં,
હોવાપણાના છાંયડે બે જણ મળે વરસાદમાં.
તારી પ્રતીક્ષા સાદ પાડે ને જવેથી આંખના,
તું આવશે એ સ્વપ્નમાં શું ઓગળે વરસાદમાં.
રેઈનકોટથી ઢાંકતા અસ્તિત્વનો આ દેશ છે,
અરમાન લીલાછમ થઈ ત્યાં નીકળે વરસાદમાં.
ઝરમર ઝીણો વરસે પછી તડકો હસીને ન્હાય છે,
ઊઘાડ કેવો પ્રેમનો જો ઝળહળે વરસાદમાં.