જીવન એક સાગર
જીવન એક સાગર


હું તો છું માત્ર એક પ્રવાસી સૌને મળવા આવ્યો છું,
નામધારી અને હું અંતે નાશધારી બનવા આવ્યો છું,
ઈશ્વરે મને મોકલ્યો માનવ બની વસવા આવ્યો છું.
ના કોઈથી દુશ્મની મારે સૌને પ્રેમ કરવા આવ્યો છું,
મારા ભારતીય જનોને પરિવાર ગણવા આવ્યો છું.
ફરી આ દેહ મળે ન મળે ઈશને નમવા આવ્યો છું,
પાલનહાર જે પીરસે તે પ્રસાદ જમવા આવ્યો છું.
ઈશ્વરના રંગે રંગાઈ બીજા રંગ છોડવા આવ્યો છું,
ઋણી બની જનની તણો સેવા કરવા આવ્યો છું.
લાકડી બની અંધજનોની તેને દોરવા આવ્યો છું,
નવ કોઈથી વિખવાદ સૌમાં ભળવા આવ્યો છું.
સંત સમાગમ કરીને હું જ્ઞાન જાણવા આવ્યો છું,
સુખ હોય કે દુઃખ હિંમતથી ખમવા આવ્યો છું.
બુરાઈનો બદલો ભલાઈથી આપવા આવ્યો છું,
ભલે હોય પાનખર હું વસંત બનવા આવ્યો છું.
હા હું નિજાનંદી છું નિજાનંદ માણવા આવ્યો છું,
જેવા જેવા લોકો તેવો નાતો જોડવા આવ્યો છું.
ન જાઉં કુમાર્ગે કદાપી સુમાર્ગે ચાલવા આવ્યો છું,
જિંદગીને એક કિતાબ જાણી વાંચવા આવ્યો છું.
જીવન પાઠશાળા છે સંસ્કાર પામવા આવ્યો છું,
હાર થાય કે જીત બસ દાવ ખેલવા આવ્યો છું.
એમ ના પારોઠ ભરું જિંદગી લડવા આવ્યો છું,
આવે આંધી કે તોફાન સામનો કરવા આવ્યો છું.
જીવન એક સાગર, નાવિક બની તરવા આવ્યો છું,
વિભુ સુકાન તારા હાથે ઈશારે ચાલવા આવ્યો છું.
જેટલી સમય મર્યાદા તેટલું હું જીવવા આવ્યો છું,
પ્રભુ તે ગણીને આપેલ શ્વાસ હું ભરવા આવ્યો છું.
ચાવી તારે હાથ પ્રભુ હું તાળું લઈ રમવા આવ્યો છું,
ધરતીના ખોળે ખેલી હું વિદાય માંગવા આવ્યો છું.
માટીની છે આ કાયા માટી સાથે ભળવા આવ્યો છું,
પીંજરમાં ભલે પૂરાયો મુક્ત બની ઉડવા આવ્યો છું.
ઉડી ઊંચા ગગનમાં સદા અદ્રષ્ટ બનવા આવ્યો છું,
"પ્રવિણ" અમર નથી માટે દેહ છોડવા આવ્યો છું.