સોનાની ચિડીયા
સોનાની ચિડીયા


નિજાનંદમાં રહેવું અને બીજાને આનંદ કરાવજો,
માનવ બની આવ્યા છે તો ખાતું સારું ખોલાવજો.
કોઈ બાદબાકી ના કરે જીવનમાં એ વિચારજો,
સરવાળો, ગુણાકાર થતો રહે નામના મેળવજો.
ભાગાકારથી દૂર રહીને તેમને વચ્ચેથી હટાવજો,
પરિવાર સૌ સાથે રહીને ઘરની શોભા વધારજો.
સારા લોકોનો સંગ કરી જીવન સારું બનાવજો,
ઘર હોય ત્યાં વાસણ ખખડે બીજે ન, જણાવજો.
આપણા ઘરનો મામલો આપણે જાતે પતાવજો,
ઘર મેળે જ સમાધાન કરવું ઢંઢેરો નવ પીટાવજો.
નહિ તો રજનું ગજ થશે એ ધ્યાનથી વિચારજો,
આવે પાસા ફેંકવા શકુનિઓ તમે એને હરાવજો.
દંભી લોકોને આવકારો આપી કદી ના બોલાવજો,
સલાહકાર ઘણા મળશે, સારા લોકોની મેળવજો.
ના રહે અપૂર્ણતા જીવનમાં સારું જીવી બતાવજો,
હોય લોકો નિરક્ષર તેમને સાક્ષર જ્ઞાન અપાવજો.
બેરોજગાર લોકોના હાથ પકડી ધંધે ચઢાવજો,
વિદ્યાદાન આપીને વિદ્યાર્થીને આગળ ભણાવજો.
અન્નક્ષેત્ર શરૂ કરીને ભૂખ્યા લોકોને જમાડજો,
લોક સેવા કરવા માટે હોસ્પિટલો બનાવજો.
વસ્ત્રનું દાન આપીને લોકોને અંગ ઓઢાડજો,
દૂધ નથી મળતું તે બાળકોને દૂધ પીવડાવજો.
લોકોને સહકાર
આપીને આગળ વધારજો,
વટેમાર્ગુઓ માટે પાણીનાં પરબ બંધાવજો.
મનના મેલ કાઢી નાખવા મન સારું બનાવજો,
કોઈનાં ભલામાં આપણું ભલું છે એ વિચારજો.
રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષા ત્યજીને સૌને બોલાવજો,
સંપ ત્યાં જંપ કહેવતને કૃતાર્થ કરી બતાવજો.
ખોટા રસ્તે જતી આપણી સંપત્તિ બચાવજો,
આપણે અને લોકોને લાભ મળે ત્યાં વાપરજો.
આચરણ સારું રાખી સારું જીવન વિતાવજો,
કોઈને પરાયા કદી ના માની પોતાના બનાવજો.
બાળકની સાથે બાળક બની તેમને રમાડજો,
ભારત પાસે સત્તા તો છે, મહાસત્તા બનાવજો.
આપણે સહુ સાથે મળીને જગતને દેખાડજો,
આપણી એકતા અને ભાઈચારાને નિભાવજો.
વાણી અને પાણીની કિંમત સમજી વાપરજો,
નદીઓના ધવલ નીરમાં કચરો ના ઠાલવજો.
હોય ગટરો કે ગંદકી જાહેરમાં તેને હટાવજો,
સંસ્કારની ભૂમિ ભારતને સ્વચ્છ બનાવજો.
પછી પ્રભુજી ને આમંત્રણ પાઠવી તેડાવજો,
અમે સ્વચ્છ બની ગયા હવે પ્રભુ પધારજો.
આવો પ્રભુ હૃદય દ્વાર ખુલ્લા તમે બિરાજજો,
આમ સોનાની ચિડીયા દેશને કરી બતાવજો.
બાકી ખોટી વિકાસની વાતોથી ન, ફેલાવજો,
"પ્રવિણ"આ પિંજર છોડી હંસલો ઉડાડજો.