વીરોના વિવાહ
વીરોના વિવાહ


સમરાંગણમાં શરણાઇઓ વાગે,
વીરલાઓ વરવાને જાય જી.
ધીંગાણા તણા ઢોલ રે વાગે,
વર્દી પહેરી વરરાજા જાય જી.
ભાલે વિજયનાં તિલક રે કર્યાં,
હાથ બંદૂક ગોળા લઈને જાય.
શૌર્યનાં ઘોડલે વીરો રે ચડ્યાં,
ભારતીની જયકાર થાય જી.
ગોળીના વરસાદે વીરને રે પોંખ્યા,
બંદૂકે આભાર મનાઈ જી.
રક્ત સ્નાનની રે રશમું પછી,
શ્વાસની ધીરજ ખૂટી જાય જી.
વીરની આંખો અધીરી રે થાવે,
પ્રિયતમાને શોધતી થાય જી.
આંખ અંજાવતી આભથી રે ઉતરી,
વરમાળા ડોકે પહેરાવાય જી.
શહીદીને પરણી વીરો રે હાલ્યાં,
'અર્જુન' એનાં ગીત ગાય જી.