એક બીજની અંદર
એક બીજની અંદર
એક બીજની અંદર આખું ઝાડ સૂવે છે, (૨)
જરાં વાવીને સિંચો તો ઘટાદાર ઊગે છે…એક૦...
કણ છે કહીને,
ફેંકી ના દેવાય
કણમાંયે મણ હોય,
નક્કી ના કે'વાય
એક દાણાની અંદર આખો થાળ સૂવે છે, (૨)
જરાં રોપીને સિંચો તો લીલો પાક ઊગે છે…એક૦...
રાતે જઈને જોશો,
ખાલી ખાલી લાગશે,
થોડી રાહ જૂઓ તો,
આખો બાગ જાગશે,
એક કળીની અંદર ફૂલ મજેદાર સૂવે છે, (૨)
જરાં કાંટાને અવગણો તો ખુશ્બૂદાર ઊગે છે…એક૦…
ખોબો લઈને ચાખશો,
ખારો ખારો લાગશે,
મેહ થઈને આવશે તો,
પ્યારો પ્યારો લાગશે,
એક દરિયાની અંદર સૌની પ્યાસ સૂવે છે, (૨)
જરાં ટાણે આવે તો લીલી આશ ઊગે છે…એક૦…
હિંમત ધરો તો,
લક્ષ્ય સામું આવશે,
માયા મેલો તો,
યુદ્ધને જીતાશે,
એક 'અર્જુન'ની અંદર જયજયકાર સૂવે છે, (૨)
જરાં ગાંડીવ ઝાલો તો નૂતન સવાર ઊગે છે…એક૦