મીરાની અંતર યાત્રા
મીરાની અંતર યાત્રા


તારો થડકારો કેમ કરી જાય, રુડી વેદના છે કાળિયા ઠાકોરની
આભ ઉતારીને ભીતર પથરાય, રુડી વેદના છે કાળિયા ઠાકોરની..
જૂઠી માયાની નગરીમાં ફરતી, ભવસાગરમાં રહીને હું તરતી
હરિ દેખે તો પાંપણ હરખાય, રુડી વેદના છે કાળિયા ઠાકોરની..
સાજ સજતી ને લોક લાજ તજતી, તારા દલડાંને ઝિણેરું વાંચતી
ઘેલા સંસારી પળમાં વરતાય, રુડી વેદના છે કાળિયા ઠાકોરની...
ફરતી શેરી, આંગણ ને તળાવ, કહેતાં કા'ના ના ગીત ગાવા આવ
રૂંવે રૂંવેથી કાનો છલકાય, રુડી વેદના છે કાળિયા ઠાકોરની...
રાણો સમજે છે કાન્હાને ખોટો, આખા જગમાં છું હું જ એક મોટો
હરિ નામથી એ ઝેર પીતી જાય, રુડી વેદના છે કાળિયા ઠાકોરની..
એની વાંસળીના મધમીઠાં સૂર, સંગ રહેતું ને નાચતું એ નૂર
ભગવા રંગમાં છે લાલ - લીલી જાંય, રુડી વેદના છે કાળિયા ઠાકોરની....
મેં તો પગલું પાડ્યું છે ત્યાંનું ત્યાં, નહીં સમજાતું જાવાનું ક્યાં
શ્યામ આવીને મુજમાં સમાય, રુડી વેદના છે કાળિયા ઠાકોરની