બેઠી એકધારી
બેઠી એકધારી
હરિ હું તો હાટડીએ બેઠી એકધારી....
હરિ તને આવતાં શાને થઈ વાર તું આવે જો એકવાર હરખે વધાવું વારી વારી ......
રસ્તો છે લાંબો ને પગ મારા નાના, પહોંચવું છે મારેય ગામ,
હળવેથી હાલું તો રસ્તો ન ખૂટે ને દોડું તો શ્વાસ ચડે આમ,
હરિ મારી આંખડી થઈ હવે ભારી
હરિ તારા આવવાના મારગમાં પાંપણ ન પલકે ને એવી લાગે છે ભારી ભારી....
હરિ હું તો હાટડીએ.....
કો'ક વાર બોલો ને કો'ક વાર છોડો, રમત આ છોડો તો સારું,
બોલો તો મન ખીલે, છોડો તો મન તૂટે, મનડું રડે છે રોજ મારું,
હરિ તુને નિરખવાને ફરતી હું મારી,
હરિ તારા આવવાના એંધાણે વગડેથી ફૂલડાં વીણું છું મારી મારી ....
હરિ હું તો હાટડીએ.......
તારાં જ નામની લગની લાગી ને હરિ હરિ નામ હવે ગુંજે,
એકતારો હાથ લઈ ગીતડાં ગાતી રહું બીજું તે કાંઈ ન સૂજે,
હરિ મારે આંગણિયે આવ્યા એમ ધારી,
હરિ તારા વાંકળિયા વાળ માથે મુકુટ શોભતો ને અણિયાળી આખડીને જોઉં ધારી ધારી....
હરિ હું તો હાટડીએ.......