દંગલાષ્ટક મંગલાષ્ટક
દંગલાષ્ટક મંગલાષ્ટક
(શાર્દૂલવિક્રીડીત છંદ)
પગલાં સાત ભરી અને વચન જે, આપ્યાં હતાં પ્રેમનાં,
પ્રીતી ને રતિ સંગ યુગ્મ દિસતાં પ્રારંભમાં હેમનાં.
ચાંચે ચાંચ પરોવતાં ઉભય જ્યાં, કૂર્યાત્ સદા મંગલમ્,
ખટમીઠાં સમયાંતરે યુગલ ત્યાં કૂર્યાત્ સદા દંગલમ્.
બેની જે ઝગમગ અને ફરકડી માબાપને ત્યાં હતી,
કરવા સાસરવાસમાં 'ઢહરડા' લાગી બની, બાપડી.
કુંવર પણ જો ઠાવકો થઇ ગયો, દોસ્તાર મેલ્યા બધા,
સાળા, ને સસરા સળી કરવતા, કૂર્યાત્ સદા દંગલમ્.
સીનેમા, ફરવું અને ઉપરથી શૉપીંગના બીલને,
ભરતાં રોજ પડે છે ફાળ જબરી શ્રીમાનના જીવને.
જાતે ગ્લાસ ઉપાડવા જળ તણો, પાછો પડે ભાયડો,
જામી જાય પછી ગૃહે કલહ તો,કૂર્યાત્ સદા દંંગલમ્.
સાહ્યબો બીચ બજાર જે મલપતો, જૂનાગઢી શ્હેરમાં,
ટીંડાં લેતો થઇ ગયો લખનજી, શાકો તણાં ઢેરમાં.
છોરૂડે સલવાય માત દિપિકા, થઇ જાય સોનાક્ષી સમ,
દામ્પત્યે ચડતા અનેક વરખે, કૂ્
ર્યાત્ સદા દંગલમ્.
એકે ઉત્તર જાવું તો દખણમાં, બીજું વળે ચાહીને,
ખેંચાતાણ કરે વિચાર,મત,ને,ભેદો હઠો ગ્રાહીને.
ભાવે જો ગળપણ તને પણ મને ફરસાણ લાગે પ્રિયમ્,
નાની વાત બને પછી દલિલ ત્યાં, કૂર્યાત્ સદા દંગલમ્.
અંતે તો વિજયી ભવેતિ ગૃહિણી વાદોવિવાદો મહીં,
આપી ગ્યા છે સલાહ એકજ સુણો, સંસારમાં સૌ અહીં.
આંખેથી ડબકે જરાક પિલુડાં ત્યારે ભલું રોકવું
ધીંગાણું તમ બેઉનું તરતમાં, કૂર્યાત્ સદા દંગલમ્
વ્હેતે વા’ણ કળાય વ્હેણ સઘળાં, અન્યોન્યને પામવા,
જેવું છે બસ આપણું, નિયતિના મંડાણ શું માપવા!?
હોયે ખોટ હજાર તોય મનમાં ના ઓટ આવે હવે,
ચાહે લાખ ખીજે - રિઝે, અવર કે, કૂર્યાત્ સદા દંગલમ્.
સૂરો સાત મળી રચે સરગમો, રેલાવતા ગાનને,
રંગો સાત ભળી કમાન રચતા, શોભાવતા આભને,
એવો સપ્તપદી તણો મધુર છે, સંબંધ જન્મો લગી,
સાથે સ્નેહ સમર્પણે સમજણે, કૂર્યાત્ સદા મંગલમ્.