ગઝલમાં હોય છે
ગઝલમાં હોય છે
અવતરી જાતો એ અણધારો ગઝલમાં હોય છે,
ઊર્મિનો ગર્ભસ્થ અણસારો ગઝલમાં હોય છે.
છે છટા વૈભવ ખુમારી રોફ શાયરનો ઘણો,
સાંભળો તો, એક ડણકારો ગઝલમાં હોય છે.
ઝળહળે સાતેય કોઠા, મર્મ જો પામી શકો,
તેજ જેવો કોઇ તણખારો ગઝલમાં હોય છે.
સોળ ભંડારેલ ભીતરનાં ઉઠે કાગળ ઉપર,
દર્દનો આછેર સણકારો ગઝલમાં હોય છે.
ઓપ સંઘેડા ઊતારેલો મળે એને પછી;
શબ્દનાં ટાંકણથી શણગારો ગઝલમાં હોય છે.