બાપુ તમે
બાપુ તમે


એક દારુડિયા બાપને દીકરીની અરજ
બસ હવે,
કે મુકો દારૂની લત બાપુ તમે,
શા ને ઘોળો આમ વખ બાપુ તમે.
માંડ ઘરની આબરૂ ઢાંકે છે જે,
કેમ વેચો છો એ છત બાપુ તમે.
પાનેતર, ઘરચોળું કયાં હું માગું છું,
ચુંદડી આપો તો બસ બાપુ તમે.
ટીંપુ ઝંખે વ્હાલ, દરિયો વ્હાલનો,
આ કેવો લાવ્યા વખત બાપુ તમે.
આંસુ સારે મૃત મા તસવીરમાં,
આદરી કેવી રમત બાપુ તમે.
ઘર, ખેતરને ઉંબરો પી ગયા છતા,
પાળતા હોઠે તરસ બાપુ તમે,
આખરે તન ઢાંકવા દે જો કફન,
એટલી માનો અરજ બાપુ તમે.