તને
તને
મેં ચૂમી છે એમ ઝાકળ વચ્ચે તને,
જેમ પાંપણ ચૂમે કાજળ વચ્ચે તને.
એટલે રોશન છે આ મારી કાયનાત,
મે ઉછેરી આંખે ઝળહળ વચ્ચે તને.
કાંગરા મારી સમજના સઘળા ખર્યા,
પીઉં છું સાકીની અટકળ વચ્ચે તને.
બેન તું સગ્ગી તરસની હોવા છતાં,
ઝંખુ છુ છાતીના વાદળ વચ્ચે તને.
આ કમાડોની પ્રતીક્ષાના ડૂમા તળે,
બાંધુ છુ અશ્રુની સાંકળ વચ્ચે તને.
ના, નથી સુકાઈ ડાળો મારી હજી,
આવ, તો ખીલાવું કૂંપળ વચ્ચે તને.
છે અલખનો ઓટલો આ શબ્દોનું ગામ,
મે પૂજી છે રોજ કાગળ વચ્ચે તને.