લાગણીઓ ગોરંભાય છે
લાગણીઓ ગોરંભાય છે


લાગણીઓ ગોરંભાય છે ને વાદળો વિખરાય છે.
લાગે છે કાંઈક થઈને જ રહેશે,આ હવા વરતાય છે.
પૂર્વવત એ જ ઈચ્છા ને સ્નેહ પ્રસરતો રહે છે વળી,
દૈવ થકી આ બંધન છે નિયત, કાંઈક એવું કળાય છે.
મનમાં વિકલ્પો છે ઘણા,પણ તમારી જ દરકાર છે,
પ્રથમ પ્રયાસમાં રચાયેલી અહીં તમારી જ સરકાર છે.
આજે અમી છાંટણા તો કાલે મુશળધાર હશે જ,
બારે મેઘ થશે ખાંગા એવી આગાહીઓ પરખાય છે.
મળી જશો આ જન્મે જ, એવા યોગ મલકી રહ્યા,
અંતર ઈચ્છા સામે બધા અંતરાયો લાચાર જણાય છે.
કહીશું એ પળો ને, કેવી રાહ જોયા કરી પામવાને,
આટલી આતુરતા થકી તો ભગવાન પણ પમાય છે !
હશે એ જ લખાણ વિધાતાના ગર્ભ કેરા હિસાબે,
એથી જ, ફરી ફરી એક આપની જ રાહ જોવાય છે.
લાગણીઓ ગોરંભાય છે ને વાદળો વિખરાય છે.
લાગે છે કાંઈક થઈને જ રહેશે,આ હવા વરતાય છે.