જરાક પલળી જવાયું
જરાક પલળી જવાયું

થઈ લાગણી સાવ ભીની એટલે જરાક પલળી જવાયું,
મનના આંગણે સાંભળી ટહુકો, આ તો હેવાયા થવાયું,
બાકી, બંદો એટલો ય નથી ખરાબ જેવો તમે ધારો છો !
ક્યાંક આછી વાદળી ને ક્યાંક ઝરમરિયા બની જવાયું,
મારી સમજ પ્રમાણે આ તો મેહુલો મુશળધાર થવાયું,
બાકી, બંદો એટલો ય નથી ખરાબ જેવો તમે ધારો છો !
જો કે વાંક એકલો મારોય ક્યાં છે તમે ય જાણો જ છો,
મેઘભર્યા વાદળની તમે છો સોનેરી કોર મને એવું જણાયું,
બાકી, બંદો એટલો ય નથી ખરાબ જેવો તમે ધારો છો !
એમ દિલફેંક ના ગણી લેશો મને, રાખું છું હૃદય હું સવાયું,
અહીં લાગ્યું, માંગો છો દલડું એટલે ભાવથી અર્પી દેવાયું,
બાકી, બંદો એટલો ય નથી ખરાબ જેવો તમે ધારો છો !
હવે લઈને પાછું આપો ના ભલે પણ ત્રાટક તો ચાલુ રાખો !
નજર હટાવી લીધી એટલે સાવ કોરા ધાકોર થઈ જવાયું,
બાકી, બંદો એટલો ય નથી ખરાબ જેવો તમે ધારો છો !
કહી દો કે ખાલી ગમ્મત હતી એ બધી ને આદત છે તમોને,
રમી લીધું તમે, ને અહી શમણાં કેરૂ કેવું રમખાણ રચાયું !
બાકી, બંદો એટલો ય નથી ખરાબ જેવો તમે ધારો છો !
જરા પાછું વળો કે ફેરવો એ આંખોને એ જ હેતથી અહીં,
તમારી બેરૂખીના બોજથી જુઓ, કેવા અડધા થઈ જવાયું,