ગઝલ પંચમ
ગઝલ પંચમ
== પ્રથમમ
નયનનું દ્વાર ધીમેથી વાસવું,
ને વારંવાર હૈયું ફાંફોસવું.
જરૂરતથી વધારે ચીસો નહીં,
ભલેને તીર ખૂપે દિલ સોંસવું.
લખ્યું છે છાતીના ડાબા ભાગ પર,
વગર કામે અહિયાં ના બેસવું.
ફૂલોને ક્યાં ખબર ભમરાની દશા,
નથી સહેલું જરાયે મધ ચૂસવું.
નહિ પલળે પછી પાલવ પૂર્ણતઃ,
દી ઝરમર થઈને ના વરસવું.
== દ્વિતીયમ
મજાના એટલા સંજોગ રાખું છું,
નજર કાયમ તમારી કોર રાખું છું.
મને કંગાળ કહેનારા જરા દેખો,
હું યાદોનો પહાડી થોક રાખું છું.
અહીં આ શહેરમાં ઘા પીઠ પર થશે,
ડરીને એમ ડોક પાછળ રાખું છું.
મરે છે શહેરના વાસી નજર સામે,
છતાં પણ ક્યાં કદી હું શોક રાખું છું.
કદી ક્યાં દુશ્મનો કશુય માંગે છે,
ફકત મિત્રો જ માટે ભોગ રાખું છું.
શબદમાં દમ મને ઓછું થતું લાગ્યું,
વિકટ સંજોગમાં હું મૌન રાખું છું.
ભરોસો દર્દનો હોતો નથી ‘મંથન’,
ફૂલો સ્વાગત તણા કરજોગ રાખું છું.
== તૃતીયમ
પ્રેમ કરવા ઊડાણથી જ્ઞાનની શી જરૂર છે?
દિલ આપો ઝકાસ, દિમાગની શી જરૂર છે?
આવતા ને જતા, નજર નાખતા, એટલું ઘણું,
જીવ લેતી ધરાર મુસ્કાનની શી જરૂર છે?
મેં મનાવી હજારવેળા હવે કેટલું કહું?
આવવું હો તો આવીજા, માનની શી જરૂર છે?
દિલનો સાદ સાંભળી મેં નક્કી એ કરી લીધું,
પ્રેમ દર્શાવવા વહેવારની શી જરૂર છે?
>
રુસણા ને મનામણા એ તો ચાલ્યા કરે ભલા,
આપણા બે વચે સમાધાનની શી જરૂર છે?
આંખથી આંખ ને હૃદયથી હૃદય વાત થાય છે.
તો પછી ફાલતુમાં વિધાનની શી જરૂર છે?
જે છે તે આપણી વચે, રાખજે આપણી વચે,
બોલ મંથન’ સમાજના ભાનની શી જરૂર છે?
== ચતુર્થમ
ભીનો સમય પણ પ્રેમમાં બરબાદ થોડો થાય કઈ
સમજ્યા વગર એકાંતમાં સંવાદ થોડો થાય કઈ?
જાતે પગે ચાલીને તારે ગામડે જાવું પડે,
પંદરમાં માળે બાલ્કનીથી સાદ થોડો થાય કઈ?
લાબા કને ટૂંકો પડું, ટૂંકા કને લાંબો પડું,
આવો બધે વ્યવહારમાં વિવાદ થોડો થાય કઈ?
પંખી વગર ટહુકો નથી, વૃક્ષો નથી, ઉપવન નથી,
એવોને એવો પર્ણથી તે નાદ થોડો થાય કઈ?
તારે પ્રણયના દિવસો ગણવા જ હો તો ગણ બધા,
પ્યારે સનમ, રવિવાર એમાં બાદ થોડો થાય કઈ?
વસ્ત્રો ભીના બારી ઉપર ત્યાં એમણે સુકવ્યા હશે,
નીચે સુગંધિત આ રીતે વરસાદ થોડો થાય કઈ?
સપના બધા ક્યાંથી હતા કોના હતા કેવા હતા?
‘મંથન’ હવે આખો કને આ વાદ થોડો થાય કઈ?
== પંચમ
ભીનાશ ઓઢી હાથ તું ફેલાવજે,
પ્રિયે, હવામાં ભેજ જેવી તું આવજે.
સપનામાં પણ આવી ફાવે મને,
એકાંત સાલે તો મને તેડાવજે.
તાકાત હો તો તું મને ભૂલી શકે,
કાં રાત આખી તું મને મહેકાવજે.
જો યાદ મારું આવવું પણ ના ગમે,
મારી બધી યાદો પરત અંબાવજે.
‘મંથન’ શરાબી છે તને પણ છે ખબર,
મદહોશીનું જો હોય મરણ, લાવજે.