જ્યારથી જોયો કિનારે
જ્યારથી જોયો કિનારે


જોઈને ન્હાતા તને આ ઝરણાં ઝરતાં થઈ ગયા,
ત્યાંરથી આ પથ્થરો પણ જો પીગળતા થઈ ગયા.
કેટલા! વ્હાલા હતાં આ સ્વપ્ન મારી આંખના;
ઊંઘ શું ઊડી ! સવારે એ રઝળતા થઈ ગયા.
ક્યાંક તો હદયે મળ્યો છે સ્પર્શ તારા હૂંફનો;
એટલે આ લાગણીના શબ ધબકતા થઈ ગયા.
જ્યારથી જોયો કિનારે આભના એ ચાંદને;
શાંત મોજા આ હદયના જો ઉછળતા થઈ ગયા.
આમ સર્જક ક્યાં હતા એ કોઈના પણ કામના;
વર્ખ સોનાનો ચડ્યો શું કે અમસ્તા થઈ ગયા.