મૃગજળ સુધી પહોચ્યા નહીં
મૃગજળ સુધી પહોચ્યા નહીં
સુકૂનની એકાદ પણ, એ પળ સુધી પહોચ્યા નહીં.
થાક્યા વિના દોડ્યા છતાં, મૃગજળ સુધી પહોચ્યાં નહીં.
થઈને બરફ થીજી ગયા, આ આંસુ મારી આંખનાં,
અગ્નિ વિરહમાં જે તપી, વાદળ સુધી પહોચ્યાં નહીં.
જેના મિલન કાજે નદી, અસ્તિત્વ પણ રહી ખોળતી,
ખારાશ છોડી સાગરો, એ જળ સુધી પહોચ્યાં નહીં.
ક્યાંથી મળે એ શામળો, આખાં જગતમાં શોધતાંય,
ઝાંખી નયન રાધાના એ, કાજળ સુધી પહોચ્યાં નહીં
એને હશે પણ શું ખબર, સર્જક હદય દર્દો વિષે,
જ્યાં મરજીવા માફક કદી, એ તળ સુધી પહોચ્યાં નહીં.