પાર્થ થઈને ભાગવત ભણતો નથી
પાર્થ થઈને ભાગવત ભણતો નથી
પાર્થ થઈને ભાગવત ભણતો નથી,
એટલે આ સારથી મળતો નથી.
છોડ આળસ નામનું તાવીજ આ;
કર્મને જો કોઈ ગ્રહ નડતો નથી.
કર્મ જેના હોય વિધાતા પછી;
એ હથેળી ભાગ્યને ધરતો નથી.
દૂર નીકળી તું ગયો ક્યાં એકલો?
માર્ગ જો એ ઘર તરફ વળતો નથી.
દોષ તારા ખાય છે ચાડી હવે;
કર્મ કોઈ પુણ્યનું કરતો નથી.
પાત્રતા તારી છે કુંદન જેટલી;
ફક્ત તું પારસમણી અડતો નથી.
હાર સર્જક હર કુરુક્ષેત્રે થશે;
જાત સાથે જે કદી લડતો નથી.