ઉભય હારોહાર
ઉભય હારોહાર


વિચારનું આવવુંને શબ્દનું ઉચ્ચરવું ઉભય હારોહાર,
શબ્દનું સંભળાવુંને અર્થનું પ્રકાશવું ઉભય હારોહાર.
હોય ભલેને મધુભાષી તોય કાંટાની જેમ ખૂંચનારા એ,
સત્યનું અનાવૃત થવુંને દુઃખ નીપજવું ઉભય હારોહાર.
હશે એ દર્પણ સમા જે મનમુખે એકરૂપતા જાળવતાં,
નાવનું હંકારવુંને સરિતાને સહજ વહેવું ઉભય હારોહાર.
ના દેખાય ભૂલ કદીએ નિજની આપણાં આચરણની,
ઔપચારિક દેખાવુંને જુદું જ વિચારવું ઉભય હારોહાર.
હોઈ શકે કાગતાડવત્ ઘટના કે સત્ય સહજ પ્રગટતું,
બહાનાં ધરવાંને સત્યને આવૃત રાખવું ઉભય હારોહાર.