વધેલા નખ
વધેલા નખ
ગામ છોડી જાય ને કચવાય છે,
તું વસંતોમાં હજી કરમાય છે.
હોય ના જો માનવીમાં સત્વ તો,
નાવ ખાલી ઘાટ પર અથડાય છે.
એકલો ઊંચે ચડે છે માનવી,
એટલે ઊંધા સિરે પટકાય છે.
કાપતો રહેતો વધેલા નખ છતાં,
વેર ઈર્ષા કેમ વધતાં જાય છે.
જંગલી શબ્દો ગમે ના એટલે,
હોટલમાં માંસ મચ્છી ખાય છે.
શ્હેર પાછળ માનવી પાગલ બની,
વસ્તુ થૈને હાટમાં વેચાય છે.
ઘર હતું એ પણ હવે થૈ ગ્યું નગર,
શ્વાસમાં માટી હજી વરતાય છે.