હા ! હું છું પગની પાની એ..
હા ! હું છું પગની પાની એ..
'એક વખત આ પુરુષ પ્રધાન સમાજની પુરુષ બુધ્ધિ એ
બિચારી કહેવાતી એવી સ્ત્રી બુધ્ધિને કહ્યું કંઈ શુધ્ધિ એ,
"છું હું કુશળ હોય ધંધો, વેપાર, નોકરી કે અન્ય સ્થળે
કરુ નફો હું વાપરી દિમાગ, મુજ જેવું તુજ માં કઈ ન મળે,
નમે શાખ જોઈ મારી સર્વ કોઈ જગતમાં મુજને
ન મળે એ માન સન્માન કદી ઓ ! સ્ત્રી બુધ્ધિ એ તુજને,
ભર્યા છે ઘરમાં ધન-ધાન્ય, ઘર-વખરીના મેં ઢગલા
શૂરવીરતા બતાડી સઘળે કર્યા નથી મેં પાછા પગલાં,
ઘરનાં તમામ સભ્યોને આંગળીયે મેં હંમેશા રાખ્યા
કરે સૌ મારો આદર એવા મીઠા ફળો છે મેં ચાખ્યા,
પામું સમાજમાં હું પ્રતિષ્ઠા એવું છે જ્ઞાન મને ધર્મનું
'તું છે પગની પાની એ, ' એ ફળ છે તારા કર્મ નું...'
સાંભળી રહી હતી ધ્યાન ધરી પછી જે સ્ત્રી બુધ્ધિ
<p>કહ્યું પુરુષ બુધ્ધિને પછી ધરી મન-ચિત્ત શુધ્ધિ,
'ભલે હો તું કુશળ ધંધો, વેપાર કે નોકરી સ્થળે
નફો ધંધામાં મળે ભલે, સંબંધોમાં તો તુજ ને ખોટ જ મળે,
હા ! નમે ભલે શાખ જોઈ સર્વ કોઈ જગતમાં તુજને
પણ, નથી થતાં નત-મસ્તક પ્રેમથી કોઈ જે થાય મુજને,
શૂરવીરતા દેખાડી કર્યા ધન-ધાન્યનાં ભલે તે ઢગલા
પણ ,એ ઘર-વખરીનાં વપરાશ માં જરુરી છે મારા પગલાં,
નમે આદર કરી સૌ કેમ કે,આંગળી એ છે તેં રાખ્યા
પણ,પ્રેમ, હૂંફ અને લાગણીનાં ફળ તો સૌના મેં જ ચાખ્યા,
પામે તું પ્રતિષ્ઠા સમાજમાં એવું જ્ઞાન તને ધર્મનું
પણ, તારા અસ્તિત્વ પાછળ ફળ મારા જ કર્મનું,
"હા ! હું છું પગની પાની એ, પણ, તારું રહેઠાણ જ્યાં,
સાબિત થયું નથી હજુ,કે તું પુરુષોમાં રહે છે ક્યાં ?"