શિક્ષક હવે
શિક્ષક હવે


શિક્ષક હવે દરરોજ શાળામાં જઈ જો કેવો ટેવાઈ ગયો;
પરિપત્રોની આડેધડ ભરમાર વચ્ચે જો કેવો લંબાઈ ગયો !
ઓનલાઈન હાજરી પુરવામાં હવે જો કેવો ખોવાઈ ગયો;
એકમ કસોટીનાં તપાસ ભારણ વચ્ચે જો કેવો દબાઈ ગયો !
નિતનવી આવતી સ્પર્ધાઓ કરવામાં જો કેવો તણાઈ ગયો;
બી.એલ.ઓનો બોજો કાયમનો માથે લઈ જો કેવો બુઝાઈ ગયો !
સ્માર્ટ બોર્ડ પર લેશન આપવામાં જો કેવો થોથવાઈ ગયો;
આચાર્યનાં અપાર સૂચનો પૂરા કરવામાં જો કેવો ડંડાઈ ગયો !
SOEમાં SIને ફાઈલો બતાવવામાં જો કેવો ગભરાઈ ગયો;
બાળક કરતાં શિક્ષકનાં બેગનો ભાર જો કેવો બેવડાઈ ગયો !
FLNનાં આંકડાઓને કાઢવામાં જો કેવો ગૂંચવાઈ ગયો;
બાહ્ય પરીક્ષાઓનાં ફોર્મ ભરવામાં જો કેવો અકળાઈ ગયો !
ગમ્મત સાથે વાર્તા કવિતાઓ કહેતો જો કેવો નજરાઈ ગયો;
શિક્ષકમાંથી મશીન બનેલો બાળકથી જો કેવો વિખૂટાઈ ગયો !
શિક્ષક દિન ભલે ઉજવાતો શિક્ષક જો કેવો મૂરઝાઈ ગયો;
શિક્ષણ જગતનાં અખતરાઓ વચ્ચે જો કેવો ધરબાઈ ગયો !