સીધી સાદી ગઝલ
સીધી સાદી ગઝલ
સીધી સાદી ગઝલ કહું તો પરંપરાની લાગે;
ન સમજાતાં ગણિત કોઈ પગે કપાસી લાગે.
અંદરથી ઊભરે જે ઊર્મિ કહે સતત એ લખવું;
એવું લખતાં થયા કરે કે ખભે નનામી લાગે.
દરજી છીએ; સુથાર છીએ કે સમણાંના શાયર ?
શબદ વેતરું; છોડા પાડું ધરા અજાણી લાગે.
ગ્રાહક વિણ વેચાવા મૂકી જાત ઝળાળાં - ઝળહળ -
સાંજ ઢળી ત્યારે જોયું તો જાત જ ઝાંખી લાગે.
કોઈ કહે કે ઉમદા શાયર હાથવગા છે અમને -
પંડિત-પોથી બીજાં કાજે રોજ સજાવી લાગે.
