બે ઘડી રોકાઈ જાવ
બે ઘડી રોકાઈ જાવ
1 min
12.6K
શ્વાસ સરખાં બે ઘડી રોકાઈ જાવ;
બે ઘડી તો બે ઘડી ગૂંથાઈ જાવ.
આખરી સ્થળ આ નથી, સમજ્યાં છીએ
તો પ્રવાસી જીવ સમ જિવાઈ જાવ.
ઝીણાંઝીણાં ફોરાંનો વરસાદ છે
વરસ્યું જો વાદળ તરત ભીંજાઈ જાવ.
થોડું પણ જો હાથમાં અમૃત ચઢ્યું
સ્હેજ ચાખી અન્યને એ પાઈ જાવ.
દોહરા, સાખી, ભજન કે પદ સમું
એવું કંઈ તો વાતવાતે ગાઈ જાવ.
પાંચ ફૂટ ને આઠ ઈંચ કપડું મળ્યું
જાતે બિછાવી અને બિછાઈ જાવ.
શાળ પરનું કામ છોડી ક્યાં જવું ?
આખરી ક્ષણમાં કબીર પરખાઈ જાવ.
