વ્હાલી દીકરી
વ્હાલી દીકરી


સોના વરખ મઢેલી એક બપોરે,
ચહકતી ચકલીઓનાં કલરવ વચાળે,
તું પૃથ્વીના ગોફણમાં પ્રવેશી
બધે જ આનંદ... આનંદ...
અત્ર-તત્ર-સર્વત્ર આનંદ.
ચંદ્ર શું સૌદર્ય તારું મલકે,
આછું-આછું સ્મિત તારું છલકે,
નાનાં નાનાં લોચનીયાં તારા ચળકે,
બધે જ આનંદ... આનંદ...
અત્ર-તત્ર-સર્વત્ર આનંદ.
ને પછી....
ઝળકતાં સૂર્ય સમી તારી તેજસ્વિતા,
તારલાં સમ તારો ઝળહળાટ,
નાનાં-નાનાં તારા પગરવથી ધ્રુજે ધરા થરથર,
રૂપકડી આંગળીઓથી થાય કોમ્પ્યુટર કલીક
બધે જ આનંદ....આનંદ....
અત્ર-તત્ર-સર્વત્ર આનંદ.
ને હવે પછી....
ઉછળતા સમુદ્રનાં પેટાળમાં,
રંગબેરંગી માછલી સમી તું,
કયાંક મોજાઓનાં વમળોમાં,
ફેરફુદરડી જેવી રમતો તરફ આકર્ષણ અનુભવીશ નહીં તું.
તેથી....
જેમ રંગબેરંગી માછલીઓ
પોતાની જાતને વામોળામાં સાચવીને રાખે,
જેમ વમળોના તરવરાટને બુદ્ધિથી અંકુશમાં રાખે.
તેવી જ રીતે....
તારી તરુણાવસ્થામાં
યુગને શોભે નહીં એવી અણછાજતી વાતોને
સમાધિસ્થ બનીને અવગણી કાઢજે
કયારેય પણ....
વડીલોના સ્નેહસંચિત સોનેરી સૂચનોને
કટાક્ષકથા ન સમજતી.
તેરથી ઓગણીસ-સાત વર્ષનો સમય કસોટીમય લાગતો સમય
એ સજા નથી.
પરંતુ....
સપ્તરંગી મેઘધનુષ્ય પ્રગટાવવા
પહેલી તપશ્ચર્યા છે.
વહાલના દરિયા સમ મારી વ્હાલી દીકરી,
અમને હર શ્વાસમાં દ્રઢ વિશ્વાસ છે.
પેલા મુકત પંખીની જેમ ઊચેરાં આભમાં
તું ચહેકી ઊઠશે, મહેંકી ઊઠશે, ઊંચી ઊડાન
ભરી શકશે.
તારી તેજસ્વીતાનો સૂર્ય
ક્ષિતિજનાં આર-પાળ ઝળકી ઊઠશે.