કંઈ પણ વિના
કંઈ પણ વિના


રુપ, વૈભવ કે પ્રણયના કોઈ આકર્ષણ વિના,
હું સતત ખેંચાઉ છું તારા તરફ કારણ વિના.
મારી ઇચ્છાનાં હરણ ખેંચી મને ક્યાં લઇ ગયાં?
લ્યો હવે તો શ્હેરમાં દેખાય મૃગજળ રણ વિના.
ઘોર એકલતાને પલટાવી દીધી એકાંતમાં,
શબ્દ મારી સાથ યુગોથી રહ્યાં સગપણ વિના.
ખીલવા માટે ઋતુઓનો સહારો જોઈએ,
સાંભળ્યું છે ? ફૂલ ખીલતું હો કદી ફાગણ વિના ?
ધારીએ તો ક્યાં સુધી આખો બગીચો ધારીએ ?!
ફૂલ કે ફોરમ હવે કૈં પણ નહીં- કંઈ પણ વિના.