રંગ મેંદીનો
રંગ મેંદીનો
રંગ મેંદીનો હથેળી પર હજી ઠર્યો છે ક્યાં હજી?
મન ભરી શણગાર પણ એણે કર્યો છે ક્યાં હજી?
સૌ સખીઓ છેડતી’તી પનઘટે ટોળે વળી,
કેફ એના બાળપણનોયે સર્યો છે ક્યાં હજી?
ભીંત પર થાપા ભીના ગુલાલ કુમકુમના હશે,
રંગ એ ભીના સ્મરણનો પણ ખર્યો છે ક્યાં હજી?
કોરું પાનેતર ચૂડી ને ચાંદલો સોહાગનો,
મનપસંદ શૃંગારર હૈયે ઉભર્યો છે ક્યાં હજી?
લાજ મર્યાદા અને સંસ્કાર સમજણની મૂડી,
સાસરે જઈ એ ખજાનો પાથર્યો છે ક્યાં હજી?
આંખ રાતી જાગરણથી? કે પિયર વિયોગથી?
બે તરફનો સ્નેહ ઉરમાં પાંગર્યો છે ક્યાં હજી?