સોળમું બેઠું
સોળમું બેઠું


સમજણને મેલી છે સાવે રેઢી,
એના હૈયામાં ગાંડપણ પેઠું,
ઓલી સોનલીને સોળમું બેઠું.
ફાટફાટ જોબનિયું આયુ એવું,
એના કાપડામાં કેમે ન મા'તું,
ભીડે કમાડ, ને સાંકળ દીયે,
મુખ દર્પણમાં જોવે ને થાતું રાતું.
જીવતરની ડાળ પર બેઠું પારેવુ,
એને દાણા દેવાને રોજ જાતી,
હોઠ પર બેઠી હો માગશરની ટાઢ,
તોયે પરસેવે રેબઝેબ છાતી,
સાવે પરદેશી એ પારેવું તોય
એનું ગાન એને લાગે મધમેઠું,
ઓલી સોનલીને સોળમું બેઠું.
નીંદરડી ગીરવે મેલી સાટામા,
લાખ લાખ સોણલાં બાંધે ગાંઠે,
આંખે ઉજાગરા ચાડી ખાતા,
પછી ચર્ચાતી થઇ રોજ કૂવાકાંઠે.
સાચો શણગાર એક લાગે સેંદૂરનો,
બાકી લાગે છે બધું વામણું,
કેતી'તી માડીને પાનેતર લાવો,
ને ભૂલજો ના છેડાબાંધણું.
નેવે ચઢાવી છે માજા, ને મેલ્યું છે લાજનું ઘરેણું સાવ હેઠું
ઓલી સોનલીને સોળમું બેઠું.
સમજણને મેલી છે સાવે રેઢી, એના હૈયામાં ગાંડપણ પેઠું...
ઓલી સોનલીને સોળમું બેઠું...