નથી ફાવતું
નથી ફાવતું
ગમે સૌને બસ એટલું બોલવાનું નથી ફાવતું તો નથી ફાવતું લે,
બધું જાણીને ચૂપ થઈ બેસવાનું નથી ફાવતું તો નથી ફાવતું લે,
જો એ હોય મોટા, કે નાના છતાં માન સૌનું પુરેપુરૂ રાખું પરંતુ,
ઘટી જાય કદ એ રીતે ઝૂકવાનું નથી ફાવતું તો નથી ફાવતું લે,
ભલેને મને કોઈ પથ્થર કહી દે અને કોઈને ક્રૂર લાગું તો લાગું,
જરા વાતમાં આંસુઓ સારવાનું નથી ફાવતું તો નથી ફાવતું લે,
તમે સ્વપ્નમાં આવવાનું વચન આપીને પાળવાના હો તો વાત જુદી,
ફકત લોક લાજે મને ઊંઘવાનું નથી ફાવતું તો નથી ફાવતું લે,
નયન, વાણી-વર્તન બધું સાચવું છું છતાં એ ગઝલમાં તો દેખાઈ જાશે,
પ્રણય છે તો છે, ખાનગી રાખવાનું નથી ફાવતું તો નથી ફાવતું લે.