ખાઈ ઊંડી હતી, પૂરાવી છે
ખાઈ ઊંડી હતી, પૂરાવી છે


કંઈક વાતોને ત્યાં છૂપાવી છે,
ખાઈ ઊંડી હતી, પૂરાવી છે,
જોઈ લે, ખોટ કોને મોટી પડી ?
મેં, કે તે ખુદ તને ગુમાવી છે ?
શું છે અસ્તિત્વ મારું, કે તારું ?
એક તાળું છું હું, તું ચાવી છે,
શું થયું? આંખ વહેતી રાખી તો,
મારી મિલકત છે, મેં લૂંટાવીછે.
ગ્રંથ આખો લખાય એના પર,
વાત મારી, જે તે ઉડાવી છે,
રાખ પણ એની નહિ ઉડે સહેજે,
આગ એવી રીતે બુઝાવી છે.
મોત પણ મારું ઝળહળી ઉઠશે,
જિંદગીને, જો મેં ઝુકાવી છે,
સૌને જાદુઈ વારતા લાગી,
આપવીતી જ મેં સુણાવી છે.