સાચું કહેજે, તું પાડે છે સાદ ?
સાચું કહેજે, તું પાડે છે સાદ ?
યાદ મને આવે છે ભોળું શૈશવ ઘર ઘર રમતું,
તારા કરતાં ઝાઝું તારું ફ્રોક ગુલાબી ગમતું,
તું ને હું ઝઘડી પણ પડતાં, આવે છે ને યાદ ?
સાચું કહેજે, તું પાડે છે સાદ?
હું કહેતો કે છત્રી ખોલું, તું ક્હેતી પલળીએ,
આંખોમાં સપનાઓ લૈને આંબા હેઠે મળીએ,
ગમ્મે ત્યાંથી આવી ચડતો પાછો એ વરસાદ !
સાચું કહેજે, તું પાડે છે સાદ ?
હું કહેતો કે થપ્પો રમીએ, તું કહેતી લે પકડ મને,
બળદગાડે લપાતી છુપાતી દોડતી દેખાતી તું મને,
દઇ થાપ જતી છટકી આપવી પડે હોં તને દાદ !
સાચું કહેજે, તું પાડે છે સાદ ?
વર્ષો બાદ સીમંતમાં કાકીના, જોઈ તને આઇસક્રીમ ખાતી,
અચાનક નજર્યું ટકરાતા, જોઈ તને આંખ મીચકારતી,
પૂછાઇ ગયું સહેજ મારાથી 'હજી એવો જ છે સ્વાદ ?'
સાચું કહેજે, તું પાડે છે સાદ?
હિંમત કરી તું આવી સમીપ, છૂટા મૂક્યા કાળા કેશ,
મહેકે વાળની કર્યો મોહાંધ, ચહેરે વિખરેલા કાળા મેશ,
ડર લાગે છે તને કે આ થશે જમાનો જલ્લાદ !
સાચું કહેજે, તું પાડે છે સાદ ?