પ્રેમ મળે પણ !
પ્રેમ મળે પણ !


શું થાય જયારે પ્રેમ મળે પણ પ્રીત ન મળે !
શું થાય જયારે જીવન મળે પણ ગીત ન મળે ?
એક મુસાફર શોધી રહ્યો, ઠેકાણું માનવતા તણું,
શું થાય જયારે સ્થળ મળે પણ જન ન મળે !
તડપું હંમેશ યાદોમાં. બળતું મારું હૈયું ઘણું,
શું થાય જયારે તન મળે પણ મન ન મળે !
પામીશ કે ખોઇશ, મુંઝવી રહ્યો પ્રશ્ન હૃદયને,
શું થાય જયારે જવાબ મળે પણ રીત ન મળે !
નીકળ્યા નહીં શબ્દો, શું કહેવું મારી જીભને,
શું થાય જયારે ધૂન મળે પણ સંગીત ન મળે !
રાહોમાં બીઝાવી ફૂલ જોઈ રાહ અનિમેષ આંખે,
શું થાય જયારે એ દેખાય પણ નજર ન મળે !
હતી સામે મુસ્કરાતી ગુલાબની પંખુડી સમી હોઠે,
શું ઉકેલ હોય? જયારે એ મળે પણ અવસર ન મળે !
આસાન નથી ભૂલવું જે બની લહુ નસનસમાં દોડે,
શું થાય જયારે પ્રાણ મળે પણ શ્વાસ ન મ
ળે !
ઘુમરાતી જીવનની ક્ષણ. હસીન યાદોના વમળ તણે,
શું થાય જયારે ધૂન મળે પણ પ્રાસ ન મળે !
ઘાયલ થયેલા મનની પીડા સતત વધતી રહે,
શું થાય જયારે જખ્મ મળે પણ ઈલાજ ન મળે !
ભમે મારા મન મસ્તિષ્કમાં, સ્વપ્નમાં જોઉં એને,
શું થાય જયારે દિલ મળે પણ રિવાજ ન મળે !
મહેફિલ લાગે ફિક્કી, એકલતા હવે નથ સહેવાતી,
શું થાય જયારે સઘળા મળે પણ તે ન મળે !
લાગે અસુરી અસુરી, ઝાકળ માકળ સઘળા વૈભવની,
શું થાય જયારે સઘળું મળે પણ એ ન મળે !
પ્રશાંત, ઉડાવું છું રાખ મારા બળેલા સ્વપ્નની,
શું થાય જયારે તણખો થાય પણ ઝબકાર ન મળે !
આવ્યા મુદ્દતો બાદ, જાલિમ મારા ગયા પછી,
શું થાય જયારે દિલ મળે પણ ધબકાર ન મળે !
શું થાય જયારે પ્રેમ મળે પણ પ્રીત ન મળે !
શું થાય જયારે જીવન મળે પણ ગીત ન મળે ?