તું અને હું, હું અને તું
તું અને હું, હું અને તું
તું અને હું, હું અને તું,
હિલ્લોળા લેતા પ્રેમ સાગરના પ્રવાસી,
તો યે આપણી વચ્ચે,
ધસમસાટ ધસમસતું આ મૌન કેમ ?
તું દૂર દૂર વસતો આકાશી તારલો,
ને હું એક નાનકડો ટમટમતો દિપ,
તો યે આપણી વચ્ચે,
ટપક ટપક ટપકતું આ અંધારું કેમ ?
તું ટેહૂંક ટેહૂંક ગહેંકતો વનનો મોરલો,
ને હું સહજ ઝૂકેલી આંબલિયાની ડાળ,
તો યે આપણી વચ્ચે,
થનગનાટ થનગનતી આ ખામોશી કેમ ?
તું ગડગડાટ ઘૂઘવતો વર્ષાનો મેઘલો,
ને હું ઝબૂક ઝબૂકતી નાનકડી વીજ,
તો ય આપણી વચ્ચે,
ધોધમાર વરસતી આ ઉદાસી કેમ ?
તું પળ પળ સતાવતો પાગલ વાયરો ,
ને હું નવલી નવોઢા સમ ફરફરતી લટ,
તો ય આપણી વચ્ચે,
ક્ષણ ક્ષણ તરસતી આ શરમ કેમ ?