આરસ જેવા મોરલા
આરસ જેવા મોરલા
ફળિયું વરસે, નેવા વરસે, વરસે આખી ડેલી રે..
હથેળીયુંમાં પ્રગટયા પૂર કાળી ભમ્મર હેલી રે...
ચોમાસું કાંઈ ચિતરી બેઠું છાતીએ ઝાકમઝોળ રે
મારી ભીતર વ્હેતી થઈ ગઈ નદીયું રાતીચોળ રે
ભાનસાનને ભીંતેં ટાંગી હું તો ભાગી પેલ્લી રે
ફળિયું વરસે, નેવા વરસે, વરસે આખી ડેલી રે.
અજવાળાના આરસ જેવા મોરલા હું પંપાળુ રે
મારી અંદર એક ચોમાસું દરિયા જેવું ભાળું રે
જળજળિયાની જાતુ લઈને મે જાતને પડતી મેલી રે
ફળિયું વરસે, નેવા વરસે, વરસે આખી ડેલી રે..
છાતીએ ફાટફાટ ફૂટી નીકળ્યા શમણાંઓના ઝાડ રે
ફળિયા વચ્ચે આવી ઊભા જળનાં જળહળ પ્હાડ રે
એવો વરસ્યો સાયબો મે મરજાદ આઘી ઠેલી રે..
ફળિયું વરસે, નેવા વરસે, વરસે આખી ડેલી રે..