કાંઈ નક્કી નહીં હો
કાંઈ નક્કી નહીં હો


કોના એ દીવા ઠારે, કાંઈ નક્કી નહીં હો,
હવા છે તારે કે મારે, કાંઈ નક્કી નહીં હો.
માણસ આખો તરડાઈ ગયો મેઘાની રાહે,
એ બસ ઝાકળ ઉતારે, કાંઈ નક્કી નહીં હો.
જોવે લોકો આંખ્યું લુછવા જેની રાહ,
એ ખુદ આંસુ સારે, કાંઈ નક્કી નહીં હો.
પળમાં એ ઉપાડે ગોવર્ધન ને પળમાં એ,
વનમાં જઈ ગાયું ચારે, કાંઈ નક્કી નહીં હો.
ડૂબાડે તો આંખોમાં ડૂબાડે, તારે તો,
મધદરિયામાં એ તારે, કાંઈ નક્કી નહીં હો.
ધારે તો એ મંદિરમાં ના આવે, આવે તો,
આ હૃદયમાંય પધારે, કાંઈ નક્કી નહીં હો.
એવું ય બને ચંદન, તુલસી, માળા છોડીને,
મળે ખાલી ૐ કારે, કાંઈ નક્કી નહીં હો.