ગુલાલ
ગુલાલ


હવે ફૂટયાં છે ગાલમાં ગુલાલ,
મારા શ્વાસોમાં આવીને કોળ્યો છે કાંઈ ફાગણનો મઘમઘતો ફાલ,
હવે ફૂટયાં છે ગાલમાં ગુલાલ.
આખ્ખુ આકાશ આવી એમ જાણે પડતું કે આંખ્યુંમાં પડતો કલશોર જો,
ડાળીએ કોળી છે જીવતરની વારતા ને કમ્ખે કોળ્યાં છે કાંઈ મોર જો,
પીંછામાં આખ્ખુયે ગોકુળ દેખાય મને મુકુટમાં જશોદાનો લાલ,
હવે ફૂટયાં છે ગાલમાં ગુલાલ.
સાંજૂકની સંધ્યાએ કેસર ઘોળ્યા કે જાણે ઉતર્યાં પતંગિયા સીધા,
ટેરવાં તો ફૂલોને એમ જાણે સ્પર્શયા કે ફોરમનાં ઘૂંટડા મે પીધા,
અધરાતે મધરાતે અજવાળા પાંપણમાં રોપી જાય શમણાંનું વ્હાલ,
હવે ફૂટયાં છે ગાલમાં ગુલાલ.