એ કોણ છે?
એ કોણ છે?
પીડવે છે જે સતત એ કોણ છે?
ભીતરે છે જે સતત એ કોણ છે?
રોજ કોરોકટ છતાં તરબોળ હું,
ભીંજવે છે જે સતત એ કોણ છે?
કાબુ મારા એ હ્ર્દય, મનને કરી,
વિચરે છે જે સતત એ કોણ છે?
આગ સામેથી લગાવી જિંદગી,
પીગળે છે જે સતત એ કોણ છે?
આ ગરમ છે લાગણી ને એ છતાં,
થીજવે છે જે સતત એ કોણ છે?
ઝાંઝવાને મોહ છે વરસાદ નો,
નીતરે છે જે સતત એ કોણ છે?
નામ આ 'આભાસ' મારા હાથ પર,
ચીતરે છે જે સતત એ કોણ છે?